Bravelife Inc.

Bravelife Inc.
તમે માનો છો એટલું આ દુનિયામાં કંઈ અઘરું પણ નથી...(અંગ્રેજી પણ...) - Bravelife Inc

Thursday, September 30, 2010

Chapter - 1B - Article 'The'

આર્ટીકલ 'The'.
એકદમ ચોક્કસ, સ્પષ્ટ અને નિશ્ચિત આર્ટીકલ.

પહેલા એ સમજીએ કે ચોક્કસ કોને કહેવાય.... ચોક્કસ એટલે એવી વસ્તુ કે જેની આપને વાત કરતા હોય ત્યારે સામે વાળાને કોઈપણ જાતની મુંજવણ વગર બધું સમજાય જાય.

દા.ત. સૂર્ય - હવે 'સૂર્ય' ની વાત થાય એટલે દુનિયાનો કોઈ પણ માણસ સમજી જાય કે 'સૂર્ય' શું છે, તેના વિષે એમ નાં પૂછવું પડે કે "કયો સૂર્ય? - અમેરિકાનો કે ભારતનો??" - સમજી શકાય તેવી ચોક્કસ અને સ્પષ્ટ વાત છે કે સૂર્ય એક જ છે એટલે તે નિશ્ચિત પણ હોવાનો જ.

નિયમ - ૧ - હવે ધારો કે તમે ને હું એક રૂમમાં બેઠા છીએ અને એ રૂમને ત્રણ દરવાજા છે અને હું ત્રણમાંથી કોઈ એક દરવાજા તરફ આંગળી ચીંધીને (જેની સામે આંગળી ચિંધાય તે વાત કરનારા અને સાંભળનારા માટે ચોક્કસ થઇ જાય છે.) એમ કહું કે 'આ દરવાજો બંદ કરી દો' - તમારા મનમાં હવે કોઈ પ્રશ્ન થશે નહિ અને તમે તરત જ એ દરવાજો બંદ કરી દેશો કે જેની સામે મેં આંગળી ચીંધી હતી. એનો મતલબ એમ કે જેના વિષે હું વાત કરતો હોય તેના વિષે તમને બધી જ ખબર હોય અથવા તમે પહેલેથી જ જાણતા હોય તે બધી જ વસ્તુ આગળ 'The' લાગે કારણ કે એ આપના બંને માટે ચોક્કસ અને સ્પષ્ટ થાય જાય છે. પણ જો હું આંગળી ચીંધા વગર એમ કવ કે કોઈપણ એક દરવાજો બંદ કરી દો તો તમે ત્રણમાંથી કોઈપણ એક દરવાજો બંદ કરશો ત્યારે અહી કોઈ દરવાજો ચોક્કસ નથી એટલે 'A door' એવું થશે. 

દા.ત. મારી પાસે એક બિલાડી છે. બિલાડી કાળી છે. (I have a cat. The can is black.) જ્યારે પહેલી વાર મેં બિલાડીની વાત કરી ત્યારે તે ઘણી બધી બિલાડીઓમાંની  એક છે તેવી રીતે કરી અને પછી જ્યારે વાત કરી ત્યારે તમે અને હું સમજી જાવ તેવી રીતે કરી કે 'બિલાડી કાળી છે' અહી તમને કોઈ પ્રશ્ન નહિ થાય કે કઈ બિલાડી?? કારણ કે મેં પહેલા વાત કરી દીધી છે. એટલે એ બિલાડી તમારા અને મારા માટે ચોક્કસ થઇ ગઈ એટલે ત્યાં 'The' લાગશે.
સમજવાનું અને શીખવાનું અહી એ છે કે ''જે વસ્તુની વાત પહેલા થઇ ગઈ હોય તે જ વસ્તુની ફરી વાત કરવામાં આવે તો તે વસ્તુની આગળ 'The' લાગે છે".

થોડા ઉદાહરણો;
ફ્રીઝમાં ફૂલ છે. ફૂલ ગુલાબી છે. - There is a flower in the fridge. The flower is pink.
તેની પાસે કાર છે. કાર જૂની છે. - She has a car. The car is old.
આ તેનું સ્કુટર છે. સ્કુટર નવું છે. - This is her scooter. The scooter is new.
રાઘવ પાસે ફાર્મ હાઉસ છે. ફાર્મ હાઉસ બહુ મોટું છે. - Raghav has a farm house. The farm house is very big.
મારા પપ્પા પાસે ફોન છે. ફોન સફેદ છે. My father has a phone. The phone is white.
અહી ઉપરના ઉદાહરણોમાં તમે જોઈ શકો છો કે દરેક પહેલા વાક્ય માં તમને કોઈ વસ્તુ કે પ્રાણીની ઓળખાણ કરાવવામાં આવી છે. એટલે એમ કે તેમે તે વસ્તુ કે પ્રાણીથી માહિતગાર થઇ ગયા અને બીજા વાક્યમાં સીધો જ 'The' મુકીને શરૂઆત કરી છે જેથી કરીને તમને પ્રશ્ન પણ નાં થાય કે કયો ફોને?? કે કઈ કાર?? કયું સ્કુટર?? વગેરે. આને જ ચોક્કસતા કે સ્પષ્ટતા કહેવાય.

નિયમ - - જે વસ્તુ આ આખી દુનિયામાં એક જ હોય તેવા નામોની આગળ 'The' આવે છે.
જેમ કે...
The earth(પૃથ્વી), The moon(ચાંદો), The Taj Mahel (તાજ મહેલ), The Eiffel Tower (એફિલ ટાવર), The sky(આકાશ), The sun(સૂર્ય), The great wall of china(ચીનની દીવાલ), The statue of liberty(લીબર્ટીનું પુતળું), વગેરે...

નિયમ - ૩ - દિશાઓ અને ખૂણાઓના નામોની આગળ પણ 'The' લાગે છે કારણ કે દિશાઓ અને ખુણાઓ એક જ હોય છે. (તમે અમેરિકામાં ક્યાંક ભૂલા પડી ગયા હોય અને તમને કોઈ કહે કે પૂર્વ માં જાઓ, તો તમે તેને એમ તો નહિ જ પૂછો કે કયું 'પૂર્વ' ભારતનું કે અમેરિકાનું??)
જેમ કે...
The east (પૂર્વ), The west(પશ્ચિમ), The north(ઉત્તર), The south(દક્ષિણ). અગ્નિ (The south east), નૈઋત્ય  (The south west), વાયવ્ય (The north west), ઇશાન (The north east).

નિયમ - ૪ - મહાન ધાર્મિક ગ્રંથો (The great holy books), સાહિત્યો(Magazines) કે છાપાઓના નામોની આગળ 'The' લાગે છે.
જેમ કે...
The Geeta (ગીતા), The Bible (બાઈબલ), The Quran (કુરાન), The Ramayana(રામાયણ), The Mahabharata (મહાભારત), The Safari (સફારી), The India Today(ઇન્ડિયા ટુડે), The Chitralekha (ચિત્રલેખા),The Divyabhaskar (દિવ્યભાસ્કર), The Sandesh(સંદેશ) વગેરે...

નિયમ - ૫ - શરીરના આંતરિક અવયવો દર્શાવવા માટે પણ 'The' વપરાય છે.
જેમ કે...
The Heart (હૃદય), The brain (મગજ), The kidney (કીડની), The lungs (ફેફસા), The tongue (જીભ), The artery (ધમની) વગેરે...

નિયમ - ૬ - જહાજ, હવાઈ જહાજ કે ટ્રેનોના નામોની આગળ પણ 'The' લાગે છે.
જેમ કે...
The Rajdhani Express (રાજધાની એક્ષ્પ્રેસ), The Air India (એર ઇન્ડિયા), The Titanic (ટાયટેનીક) વગેરે...

નિયમ - ૭ - કોઈપણ પદ દર્શાવવા પણ 'The' વપરાય છે.
The President (પ્રમુખ), The principal (આચાર્ય), The Chief Minister (મુખ્યમંત્રી), The Prime Minister (વડાપ્રધાન), The manager (મેનેજર), The minister (મંત્રી), વગેરે...

નિયમ - ૮ - સમયના ભાગ દર્શાવવા માટે અને ક્રમિક આંક દર્શાવવા માટે પણ 'The' નો ઉપયોગ થાય છે...
જેમ કે...
સમયના ભાગ - In the evening (સાંજ), In the night (રાત), In the midnight (અડધી રાત), In the morning (સવાર), In the noon (બપોર), In the afternoon (બપોર પછી).
ક્રમિક આંક - The first (પહેલો), The second (બીજો), The third (ત્રીજો), The tenth (દશમો), The last (છેલ્લો), The final વગેરે.

નિયમ - ૯ - નદીઓ, પર્વતોની હારમાળાઓ, રણ, મહાસાગરો અને ટાપુઓના નામની આગળ પણ 'The ' લાગે છે.
જેમ કે...
નદીઓ - The Ganga (ગંગા), The Narmada (નર્મદા), The Nile (નાઈલ), The Mississippi (મીસીસીપી)
પર્વતોની હારમાળાઓ - The Himalaya (હિમાલય), The Alps (આલ્પ્સ).
રણ - The Sahara (સહારા), The Runn of Katch (કચ્છ નું રણ), The Great Sandy, The Gobi.
(દુનિયાના ટોપ ટેન રણ કયા છે તે જાણવા અહી ક્લિક કરો - http://en.wikipedia.org/wiki/List_of_deserts_by_area
મહાસાગરો - The Hind (હિન્દ), The Pacific (પેસિફિક), The Atlantic (એટલાન્ટીક)
ટાપુઓ - The Lakshadweep (લક્ષદ્વીપ), The Andaman (અંદામાન),
(દુનિયા ભરના ટાપુઓ અને એ પણ એરિયા પ્રમાણે -  આ રહ્યું લીસ્ટ - ક્લિક કરો - http://en.wikipedia.org/wiki/List_of_islands_by_area)

નિયમ - ૧૦ - કોઈ પણ પ્રકારના ટૂંકાણમાં આવતા નામો દર્શાવવા કે જેને અંગ્રેજીમાં 'Abbreviation' કે 'Acronym' કહે છે તેની આગળ પણ 'The' આવશે.
જેમ કે...
'Abbreviation' - The UK(United Kingdom), The USA(United States of America), The WHO(World Health Organization), The CID(Criminal Investigation Department).

'Acronym' - The ISRO(Indian Space Research Organization), The NASA(National Aeronautics and Space Administration), The IDEA (I Dare English Academy).

દુનિયાભરના હજારો 'Abbreviation' કે 'Acronym' જાણવા ક્લિક કરો અહી - http://www.abbreviations.com/

નિયમ - ૧૧ - સમગ્ર જાતી, કુટુંબ કે વંશની વાત કરવા માટે પણ 'The' વપરાય છે.
જેમ કે...
The Tatas, The Ambanis, The Mughals, The Birlas, The Gujaratis, The Americans, etc.

Monday, September 27, 2010

Chapter - 1A - Article A/An

સૌથી પહેલા એક ખુશખબર : અંગ્રેજીમાં માત્ર બે જ આર્ટીકલ છે. ૧. A / An અને ૨. The

હવે તમને જો એમ થતું હોય કે અહી તો ત્રણ આર્ટીકલ છે A , An અને The તો પછી તમે કેમ કહો છો કે માત્ર બે જ છે. તો હવે જુઓ હું તમોને સમજાવું...

મૂળ આર્ટીકલના બે જ સ્વરૂપ છે.

૧. અનિશ્ચિત એટલે કે અસ્પષ્ટ આર્ટીકલ (A / An) | અહી A અને An બંને આર્ટીકલ અથવામાં આવે છે. એટલે કે જે જગ્યાએ A આવે ત્યાં An નાં આવે અને જો An આવે તો A નાં આવે.
૨. નિશ્ચિત એટલે કે સ્પષ્ટ આર્ટીકલ (The) | આ આર્ટીકલ નિશ્ચિત હોવાથી ચોક્કસ છે, એટલે કે જે જગ્યાએ આ આર્ટીકલ આવે છે તે દરેક વસ્તુ ચોક્કસ થઇ જાય છે અથવા એમ પણ કહી સકાય કે જે વસ્તુ ચોક્કસ, નિશ્ચિત કે સ્પષ્ટ હોય ત્યાં અને માત્ર ત્યાં જ આ The આર્ટીકલ આવે છે.
૧. અનિશ્ચિત એટલે કે અસ્પષ્ટ આર્ટીકલ (A / An)
જુના અંગ્રેજીમાં માત્ર 'An' આર્ટીકલ જ હતો જેને નવા એટલે કે તાજેતરના અંગ્રેજીમાં એક નવું સ્વરૂપ મળ્યું અને એ "A''. આ આર્ટીકલ તેના નામ પ્રમાણે અળવિતરો  છે, તે હંમેશા ગુંચવણ ઉભી કરે છે. પણ ગભરાવાની જરૂર નથી કારણ કે આપણે એકદમ સહેલી રીતે શીખવાના છીએ.
બંનેને સમજીએ તે પહેલા તેનો થોડો અર્થ સમજીએ. A અને An નો અર્થ ''એક'' એવો થાય છે અને સીધી વાત છે, અર્થ બંનેનો એક જ થતો હોવો જોઈએ કારણ કે બંને એક બીજાની અથવામાં જ આવે છે ને.

જુઓ સૌથી પહેલા આપણે An શું છે તે સમજીએ.
An હંમેશા એવા અંગ્રેજી શબ્દોની આગળ આવે છે કે જેનો ઉચ્ચાર ગુજરાતી સ્વરથી થતો હોય. હવે તમને એવો પ્રશ્ન થાય કે ગુજરાતી સ્વરથી? તો જવાબ છે હા... હા...હા... 

અને આ રહ્યા ગુજરાતી સ્વરો (જો તમને યાદ હોય તો તો તમારી યાદ શક્તિને દાદ દેવી પડે હો ભૈ) : અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, એ, ઐ, ઓ, ઔ, અં.... એટલે કે 'અ' થી 'અં' સુધી.

એટલે કે જો ઉચ્ચાર 'અ' થી 'અં' ની અંદર થતો હોય તો તે શબ્દોની આગળ An આવશે. ખાસ ધ્યાન એ રાખવાનું કે એ શબ્દો જે કોઈ પણ હોય પણ જે શબ્દોને ગણી શકાય તેની આગળ જ An આવશે.

સાચી રીતે :- સફરજન (એપલ) - તો અહી 'એપલ' નો ઉચ્ચાર પણ 'અ' ઉપરથી છે અને વળી પાછા સફરજન ગણી પણ શકાય એટલે અહી આ અંગ્રેજી 'એપલ' શબ્દની આગળ An આવશે.
ખોટી રીતે  :- પ્રામાણિક (ઓનેસ્ટ) - તો અહી 'ઓનેસ્ટ' નો ઉચ્ચાર 'ઓ' ઉપરથી છે પણ 'પ્રામાણિક' ને ગણી શકાય નહિ એટલે કે એમ નાં કહી શકાય કે ફલાણો એક પ્રામાણિક છે અને મારા બાપા બે પ્રામાણિક છે... માટે અહી An આવશે નહિ. 

હવે થોડા ઉદાહરણ જોઈએ...
હાથી (એલિફન્ટ), છત્રી (અમ્બ્રેલ), અંગ્રેજી શિક્ષક (ઈંગ્લીશ ટીચર), કલાક (અવર), સફરજન (એપલ), એસ.ટી.બસ., ટાપુ (આઈલન્ડ), કીડી (એન્ટ), જીવડું (ઇનસેકટ), કલાકાર (આર્ટીસ્ટ), અભિનેતા (એક્ટર), કલ્પના-યોજના (આઈડીયા),  કાન (ઈયર), કસરત (એક્સર્સાઇઝ), સંસ્થા (ઑર્ગનિઝેશન), વારસદાર (એઅર), ફાયદો (અડ્વાન્ટિજ), કરાર (અગ્રીમન્ટ), પ્રાણી (ઍનિમલ), એન્જિનિઅર, ખર્ચાળ હોટલ (એક્સપેન્સિવ હોટલ), જૂની બુક (ઓલ્ડ બુક), અકસ્માત (ઍક્સિડન્ટ).

ઉપરના બધા જ અંગ્રેજી શબ્દોનો ઉચ્ચાર 'અ' થી 'અં' વચ્ચે જ આવે છે તે હજી એક વાર આંખો ફાડી ને જોવાની તકલીફ કરજો. હવે ઉપર આપેલા બધા જ ગુજરાતી શબ્દોનો ગુજરાતી અર્થ મેં નીચે આડા-અવળો લખેલો છે (ઇંગ્લીશમાં જ હો ભૈ) જેને ક્રમ માં ગોઠવવાની તકલીફ તમારે લેવાની છે અને ક્યારેક કોઈ તકલીફ લેશો તો તમારું કઈ બગડી નહિ જાય.

An insect | An heir | An old book | An agreement | An animal | An ant | An apple | An actor | An umbrella | An An expensive hotel | An island | An elephant | An organization | An hour | An advantage | An accident | An idea | An artist | An exercise | An ear | An S.T.bus | An engineer | An English teacher.

(વધારે ઉદાહરણ માટે આ ઈ-મેઈલ પર સંપર્ક કરો - idarehp@yahoo.com)

ગણી શકાય એવા શબ્દો એટલે શું એવો હજી જો પ્રશ્ન થતો હોય  તો ધ્યાન આપો... એ સમય યાદ રાખો કે  જ્યારે મોબાઈલ ફોન જ્યારે નવો નવો જ માર્કેટમાં આવ્યો અને કોઈએ તમને બતાવ્યો કે જુઓ અને કહી દો  કે આ શું છે?? ૧૦૦ ટકા આપણે વિચારતા થઇ ગયા હોઈશું... ત્યારે તેણે કહ્યું  હશે કે આ એક જાતનો ફોન છે.....ધ્યાન આપો ફરી એક વખત ... આ 'એક' જાતનો ફોન. એનો મતલબ એમ કે એવા ફોન તો ઘણા હોઈ શકે. એટલે કે જે વસ્તુ ઘણી બધી હોય અને ગણી શકાતી હોય અને તેમાંથી એક લઇ તેને જો બતાવવાની હોય કે તેના વિષે વાત કરવાની હોય તો ત્યાં An/A આવે છે

An આપણે જોયું, હવે જોઈએ કે તેના અથવા આવતું A આર્ટીકલ શું છે.
An અને A વચ્ચે માત્ર તફાવત  ગુજરાતી સ્વરો અને વ્યંજનોનો છે. An બધાજ સ્વર ('અ' થી 'અં') અને ગણી શકાય તેવા શબ્દોની આગળ લાગતું હતું... A બધાજ વ્યંજનો અને ગણી શકાય તેવા નામોની આગળ લાગશે.
વ્યંજન એટલે શું તેવો પ્રશ્ન નથી થતો ને...અરે થાય તો પણ શું... ચિંતા નહિ કરવાની... વ્યંજન એટલે...('ક, ખ, ગ, ઘ' થી લઈને 'જ્ઞ' સુધી). આ આપણા ગુજરાતી વ્યંજનો છે. વ્યંજનને અંગ્રેજીમાં - કૉન્સનન્ટ- Consonant કહેવાય છે. સ્વરને અંગ્રેજીમાં - વોવેલ - Vovel કહેવાય છે.

ટૂંકમાં વ્યંજન ('ક' થી 'જ્ઞ') થી શરુ થતા હોય ત્યાં જ A લાગેને!!!
લો આ રહ્યા એ શબ્દો...(હવે સીધી વાત છે કે 'અ' થી 'અં' સુધીના ઉચ્ચારવાળા એકપણ શબ્દો અહી ઉપયોગ નહિ થાય બરાબરને?)

ખુરશી (ચેર), દરવાજો (ડૉર), રીવર (રિવર), ગામ (વિલેજ), ચોપડી (બૂક), ડબ્બો (ટિન), ફળિયું (કૉર્ટ યાર્ડ), બારી (વિન્ડો), બારની (જાર), વાટકો (બાઉલ), ઓશીકું (પિલો), રસોડું (કિચન), રસ્તો (વે), ઓરડો (રૂમ), મકાન (હાઉસ), ગીત (સોંગ), ગ્લાસ (ગ્લાસ), થાળી (ડીશ), દફતર (બેગ), મોબાઈલ, ટેબલ વગેરે.

હવે ઉપરની જેમ અહી પણ મેં બધા જ અંગ્રેજી સ્પેલિંગ નીચે આડા-અવળા આપેલા છે જેને તમે તમારી રીતે ગોઠવી લેજો.


A dish | A jar | A book | A room | A house | A river | A beg | A pillow | A court yard | A mobile | A window | A kitchen | A song | A tin | A bowl | A glass | A chair | A table | A way | A village | A door.


(વધારે ઉદાહરણ માટે આ ઈ-મેઈલ પર સંપર્ક કરો - idarehp@yahoo.com ) 

ખાસ નોંધ : 'An' આર્ટીકલ એવા શબ્દોની આગળ આવશે કે જે અંગ્રેજી શબ્દનો ઉચ્ચાર 'અ' થી લઈને 'અં' સુધી થાય છે, અહી ખાસ ધ્યાન આપજો કે માત્ર ઉચ્ચાર - પછી લખાતો ભલે કોઈપણ રીતે હોય. દા.ત. hour - અવર - કલાક (આ શબ્દ લખાવાની શરૂઆત 'h' થી થાય છે, જે 'અ' થી 'અં' વચ્ચે નથી, પણ તમારે લખાયાની શરૂઆત નથી જોવાની - તમારે કઈ રીતે બોલાય છે એટલે કે ઉચ્ચાર જોવાનો છે. અહી લખાય છે hour પણ બોલાય છે 'અવર' - જેની શરૂઆત 'અ' થી થાય છે, માટે આ અંગ્રેજી શબ્દની આગળ 'An' આવશે.)

અને એ જ વાત આર્ટીકલ 'A' ને પણ લાગુ પડે છે. કારણ કે 'university ' કે 'unit ' જેવા શબ્દો લખવાની શરૂઆત તો 'u' થી થાય છે એટલે એમ નહિ સમજવાનું કે અહી 'An' આવશે. મેં પહેલા જ કીધું તેમ તમારે કઈ રીતે લખાય છે તે નથી જોવાનું પણ કઈ રીતે બોલાય છે તે સમજવાનું છે. અને આ બંને શબ્દો ક્રમશ: 'યુનિવર્સીટી' અને 'યુનિટ' એવી રીતે બોલાય છે. બંનેમાં 'યુ' એકસરખો ઉચ્ચાર આવે છે અને 'યુ' એ 'ક' થી 'જ્ઞ' માં આવે છે એટલે ચોક્કસપણે અહી આ શબ્દોની આગળ 'A' જ આવે જ્યારે 'umbrella' નામના અંગ્રેજી શબ્દની શરૂઆત ભલે 'u' થી થાય પણ ઉચ્ચાર તો 'અમ્બ્રેલ' થતો હોય 'અ' થી 'અં' વચ્ચે આવે તેની આગળ 'An' આર્ટીકલ આવે.

Sunday, September 26, 2010

પહેલા શું ભણીશું?

સ્વાગત છે આપનું...

નીચે થોડીક યાદી આપું છું એ મુજબ આપણે એક પછી એક ચેપ્ટર લેતા જાશું. (જો જો હો...આ આખી યાદી નથી - આખી યાદી જેમ જેમ આપણે આગળ વધીશું તેમ તેમ તમને આપતો જઈશ.)

1. સૌથી આપણે જોઈશું કે આર્ટીકલ શું છે.- આર્ટીકલ - A/An અને The (આપણે અહી જોઈશું કે આ બંને આર્ટિકલનો ખરો ઉપયોગ શું છે. - અહી ખાસ નોંધવું કે આર્ટિકલ મૂળ બે જ છે. એક The અને બીજો A અથવા An. ખાસ જો જો કે A અને An તો બસ અથવામાં જ છે. એનો મતલબ એમ કે એક જગ્યાએ કાં તો A આવે અથવા An આવે. - ના સમજાયું હોય તો ડાચું નાં બગાડતા... આપણે જયારે ચેપ્ટર શીખીશું ત્યારે આવડી જશે.)

2. ત્યાર પછી આપણે વાક્યો બનાવવાની શરૂઆત કરીશું...એટલે કે જે આર્ટીકલ આપણે શીખ્યા તેને વાક્યોમાં કઈ રીતે વાપારવા તે જોઈશું... અને તેના માટે આપણે This (આ) અને That (પેલું - એટલે કે "આ" નહિ તેવું.) નામનું ચેપ્ટર શીખીશું.

3. હવે સીધી જ જરૂર પડશે આપણને એકમાંથી બે કરવા માટે શું કરવું તેની...જેમકે આપણે લગ્ન કરીને બે પાંદડે થઇએ છીએ અને તેના માટે જે કંઈ વિધિ આવે... તેવી રીતે શબ્દોને (અંગ્રેજી શબ્દોને હો ભૈ) બહુવચન માં ફેરવવા શું વિધિ કરવી પડે તે જોવા માટે આપને અંગ્રેજી ચેપ્ટર કે જે "Singular - Plural" નાં નામે ઓળખાય છે તેને શીખીશું. (Singular - સિંગ્યુલર - એકવચન) (Plural - પ્લુરલ - બહુવચન).

4. ત્યાર પછી આગળ શીખેલા ચેપ્ટરને (This ને That) ને બહુવચન કરીને શીખીશું એટલે કે (These - Those). એટલે એમ કે જો આપણે એમ કહીએ કે ''આ એક બાઘડો છે." (બાઘડો એટલે શું? જો આવો પ્રશ્ન થતો હોય તો બિલાડીને પૂછવું કે તમારા પતિદેવનું નામ શું?)
''આ એક બાઘડો છે." - આ એક વચન વાક્ય છે... હવે બહુવચન વાક્ય "આ બે બાઘડા છે" નું અંગ્રેજી કેમ બનાવવું તે શીખીશું.

Saturday, September 25, 2010

અંગ્રેજીની ગુજરાતીમાં પ્રસ્તાવના...

હું હજુ પણ મુજવણ માં છું કે અંગ્રેજી માં શરુઆત ક્યાંથી કરવી... જયારે પણ નવી બેચ શરુ થાય ત્યારે આ એક હંમેશા મારી મુંજવણ રહી છે તેમ કહી શકાય...

સૌથી પહેલા તો મારે એ વાત કરવી છે કે આપણે એક જ એવી પ્રજા છીએ કે જેને ગુજરાતી એક માતૃભાષા તરીકે બોલવાની શરમ અનુભવીએ છીએ. આ એક ખરેખર શરમની વાત છે. તમે જુઓ કે વિદેશોમાં કે ભારતમાં ગમે ત્યાં... અરે ભારતની ક્યા વાત કરો છો... ગુજરાતમાં જ આપણે ગુજરાતી બોલવાની શરમ અનુભવીએ છીએ. પાંચ જણા ઉભા હોય તો અંગ્રેજી બોલી આપણે ફાંકો પાડવાનો પ્રયત્ન જરૂર કરીશું. તમે જુઓ મરાઠીઓ, બંગાળીઓ, પંજાબીઓ કે રાજસ્થાની પ્રજા કે અન્ય કોઈ ભારતીય કે વિદેશી પ્રજા જયારે પણ અને જ્યાં પણ એક બીજાને મળશે એ પોતાની મરાઠી, બંગાળી, સ્પેનીશ, ફ્રેંચ  કે પંજાબીમાં બિન્દાસ્ત વાત કરશે અને જયારે આપણે ક્ષોભ અનુભવીએ છીએ. આપણે અંગ્રેજી આવડી જવાથી જાણે દુનિયા જીતી લીધી એવું માનીએ છીએ. ખરેખર એ ખોટું છે. (ખરેખર આ ટેવ સુધારવી જ જોઈએ - તમોને આ વાત ખરેખર ગળે નહિ ઉતારે એટલે જવા દો... આપણે આગળ જઈએ...)

હમણા જ એવું થયું...(૨૪ સપ્ટેમ્બર ૨૦૧૦ ના રોજ ) એક મારો જાપાનીઝ મિત્ર સતત મારી ઓરકૂટ પરની પોસ્ટ જોઇને ગુજરાતી વાંચવાની કોશિશ કરતો (ખબર નહિ ઈ ભારત આવ્યો'તો એવું એણે મને કીધું હતું - કદાચ અહી આવીને આપણું કાઠીયાવાડી ભાણું ખાધું હશે) અને બરાબર તે દિવસે હું ઓનલાઈન હતો એટલે એણે મને પૂછ્યું કે તમે આ રોજ જે બ્લોગ લાખો છો (હું જે વર્ડપ્રેસ માં બ્લોગ લખું છું તે) તેમાં મને કંઈ ટપ્પો પડતો નથી... મેં કીધું કે ભઈલા ટપ્પો પડશે પણ નહિ... એના માટે તારે અહી બીજો જન્મ લેવો પડે... એણે મને પાછું પૂછ્યું કે તમે મને ગુજરાતી શીખવાડી શકો?... મેં કીધું હા... કેમ નહિ....મારા બાપાનું શું જાય છે... પાછો મને કહે કે હું તમોને જાપાનીઝ શીખવાડીશ જો તમે મને ગુજરાતી શીખવાડો... મેં કીધું વાંધો નહિ...(મનમાં કીધું કે તું જાપાનીઝ ભૂલી જઈશ જો ગુજરાતી શીખવાનું ચાલુ કર્યું ને તો...). અને ખાસ નોંધવા જેવી વાત એ છે કે એણે મને પૂછ્યું કે "ગાંધીજી ગુજરાતી બોલતાને હેં?" (મારી પાસે થોડી વાર બોલવા માટે કોઈ શબ્દો જ નાં રહ્યા)

ગુજરાતી એક મહાન ભાષા છે કારણ કે મારી માત્રુભાષા છે, મને ગુજરાતી બોલવું અને વાંચવું ગમે છે, હું જરૂર પડે ત્યાજ બીજી મને આવડતી ભાષાઓનો ઉપયોગ કરું છું (મને સ્પેનીશ અને થોડી ઘણી ફ્રેંચ આવડે છે.) બાકી મોટાભાગે ગુજરાતી અને એ પણ કાઠીયાવાડી બોલવાનો મોકો ક્યારેય જવા દેતો નથી... મને ગમે ત્યાં - ખાસ કરીને પાંચ જણાની વચ્ચે  અંગ્રેજી બોલીને ફાંકો મારવાની જરા પણ ટેવ નથી. હાં, કોઈપણની સામે કે જેઓ એન.આર.આઈ. હોય કે કોઈ બીજો વિદેશી તેઓની સામે ગુજરાતી બોલીને ફાંકો મારવાની મને બહુ મોટી ટેવ છે. (મને ગુજરાતી આવડે છે એ બીજાને બતાવવાની મને જબરી વિચિત્ર ટેવ છે.)

કહેવાય છે કે અંગ્રેજી એક સ્થળાંતાર પામેલી (અને પામતી) ભાષા છે, જુદા જુદા દેશોના જુદા જુદા અને શબ્દો - શબ્દસમૂહોનો તેમાં ભરપુર ઉપયોગ થયો છે અને તેટલે જ તો વળી બધાને એ પસંદ આવે છે.

હું એ બાબતમાં સ્પષ્ટ છું કે મને ક્યારેય ભણવું ગમતું નહિ...(ખબર નહિ કેમ પણ શીખવું બહુ જ ગમતું - મને લાગે છે કે ભણવામાં અને શીખવામાં કંઈક તો ફરક છે.) અને એટલું જ મને ભણાવવા કરતા શીખવવું વધારે ગમે છે... આ એક જબરી વિચિત્રતા છે મારી સામે...

મને એ વાત સમજાતી નથી ઘણા વિદ્યાર્થીઓ કે શીખવા આવનારાઓ કહે છે કે અમોને એ, બી, સી, ડી, થી શીખવાડજો - અને પાછા આપણે એમ કહીએ કે મલ્લિકા શેરાવત નું અંગ્રેજી કરો તો પછી પાછા પડતા નથી. તો પણ હું એવો પ્રયાસ કરીશ કે બને ત્યાં સુધી પહેલેથી જ બધું સમજાવીશ... મારી પાસે રસપ્રદ ઉદાહરણોનો ઢગલો હશે... અને એ પણ સાવ સદી ગુજરાતી - કાઠીયાવાડીમાં.... અને એ પણ તમારી અને મારી રોજીંદા જીવનમાં વાપરતા હોય તેવા.

તમારે માત્ર એટલું જ કરવાનું છે - અને એ છે - રસ લેવો...(જો કે રસ પડશે જ) ... કારણ કે જો રસ જ નાં હોય તો ૫૦૦ વર્ષ સુધી રામાયણની કથા થાય તો પણ કોણ રામ ને કોણ સીતા જેવું થાય... અને ખાસ એ વાત મગજ માં ઉતારજો કે અંગ્રેજી બાય કે ભાઈ ને ગુજરાતી લૂગડાં પહેરાવીએ તો એ કંઈ ગુજરાતી નાં થાય જાય... અને આપણે શૂટ પહેરીએ તો અમેરિકન ના થાય જાય... એટલે કહેવાનો મતલબ એમ કે અંગ્રેજીને અંગ્રેજીની રીતે સમજવી પડે અને ગુજરાતીને ગુજરાતીની રીતે, જેમ કે ગાંઠિયા, ભજીયા, પૂરી, ઊંધિયું, શીરો, આ બધા આપણા શબ્દો છે... તમે આને મારી-તોડીને અંગ્રેજી બનાવો તો પછી બરાક ઓબામાં પાઘડી - પનીયું ને ધોતીં પહેરીને વિધાનસભામાં જાય તેવું થાય...એ તો આપણા ગુજરાતી ગાંધીજી કે સરદારને શોભે... (આ બધું એટલા માટે કહેવું પડે છે કારણ કે હમણા એક વિદ્યાર્થીની મારી પાસે આવી ને કહે સર, મને પાણીપૂરી નું અંગ્રેજી આવડી ગયું... મેં કીધું શું થાય... તો કહે... વોટરબાઉલ -Water Bowl)


અને હાં, તમને જો કોઈ પ્રશ્ન થાય તો તમે મને ઈ-મેઈલ કરીને પેટ છૂટી વાત કરી શકો છો.

હું ક્યારેક રોજ નવા ચેપ્ટર મૂકી શકું એવું કદાચ ના પણ બને તો માફ કરજો કારણ કે હું ઘણા બધા કર્યો સાથે જોડાયેલો છું, હાં, બને તેટલી કોશિશ કરીશ કારણ કે ગમે તેમ કરીને પણ ભણાવવા માટેનો સમય તો કાઢી જ લવ છું.

બસ વધારે પ્રસ્તાવના લખવી મને કંટાળા જનક લાગે છે...

(એ... ક્યા જાવ છો... હજુ એક માફી માગવી છે... જો ક્યારેક ટાઈપીંગ માં જો કોઈ ભૂલ થય જાય તો મહેરબાની કરીને માફ કરી દેજો - કારણ કે ટાઈપીંગ હું પોતે જ કરતો હોઉં છું.)